મંગળવાર, 3 સપ્ટેમ્બર, 2013

લાગી (ગઝલ)

વાદળોમાં આગ લાગી
લાજ છોડી લાજ ભાગી

વાદળોને ધરતીમાંથી
કોણ ભોગી કોણ ત્યાગી?

ટોચના તારા કહે છે
ઉંઘ ઉંઘી રાત જાગી
 
આંખ જલ્દી ખોલ તારા
ઊંબરાને ઠેસ વાગી

હું 'અભણ' છું શબ્દ ભૂખ્યો
ચોપડીઓ વાંચુ માગી

 અભણ અમદાવાદી

ભીતર (ગઝલ)


ભડભડ જ્વાળા સળગી ભીતર
ભૌતિક માયા વકરી ભીતર

ચહેરા ઉપર ચહેરો છે
સિંહ ઉપર બકરી ભીતર...

ઉપરછલ્લી સ્હેલી છે
ગણનાઓ અઘરી ભીતર

વાદળ આવ્યાં નભમાં ને
સરિતાઓ ઉછળી ભીતર

ખુન્નસ ઉતર્યું આંખોમાં
ફફડી ગઈ ચકલી ભીતર

વ્યોમ ધરાનાં દર્શનથી
સૃષ્ટિ આખી ઉતરી ભીતર

કોઈ ઉત્તર આપો રે
અસલી કે નકલી ભીતર?
અભણ અમદાવાદી

બાંધણી (ગઝલ)


શબદની બાંધણી રંગીન છે
ગઝલની ઓઢણી રંગીન છે

મહારાણી કરો નખરા કરો!
તમારી માંગણી રંગીન છે...

ત્વચાને ચીરશે હળવેકથી
નખોમાં કાપણી રંગીન છે

સફળ ખેડૂત છે મારો સનમ
સનમની વાવણી રંગીન છે

રસીલા રંગને દે છે પ્રવેશ
મગજની ચાળણી રંગીન છે

નસેનસમાંથી છલકે છે કલા
મરાઠી લાવણી રંગીન છે

પુજારી છું ગઝલનો તેથી મુજ
'અભણ'ની લાગણી રંગીન છે
અભણ અમદાવાદી

નમાલો સનમ

ચિતાની રાખ જેવો તું સનમ
ઠરેલી આગ જેવો તું સનમ

ડરે ના કોઇ જેનાથી કદી...
મરેલા વાઘ જેવો તું સનમ

થઈ લીલોતરી તુજ ભૂતકાળ
ખરેલા પાન જેવો તું સનમ

ન સમજ્યો માછલી કાં તરફડે!
નઠારી જાળ જેવો તું સનમ

મગજની સૌ નસોને ખેંચનાર
નગુણા રાગ જેવો તું સનમ

જુની નોટો અને પસ્તી સમો
નકામા ભાર જેવો તું સનમ

શિક્ષણ પૂરું કર્યું ના તેં 'અભણ'
અધૂરા પાઠ જેવો તું સનમ
અભણ અમદાવાદી

कान्हा (गीत)



कान्हा (गीत)
कान्हा कान्हा प्यार मिला है तेरे द्वार
मोहे कर दिया तूने निहाल.... कान्हा कान्हा

गीता मुज को राह दिखाये
कर्मों की गति को समझाये...
जीवन नैया पार लगाये.... कान्हा कान्हा

प्यार तुम से मैंने किया है
जीवन तुम को सौंप दिया है
जीवन में तू लाया निखार... कान्हा कान्हा

प्यासी हूँ पर मीरा नहीं मैं
गोपी हूँ पर राधा नहीं मैं
चंदन कर दिया घर संसार... कान्हा कान्हा
कुमार अहमदाबादी

પ્રેમતારો



 પ્રેમતારો છે સહારો પ્રેમનો
ઝળહળે છે એક તારો પ્રેમનો

પ્રેમદીવાની કટોરો પી ગઈ
ક્યાં મળે આવો નજારો પ્રેમનો...

સૂર્ય પશ્ચિમમાં ઉગ્યો છે જો જરા
ચૂપ બેઠો છે લવારો પ્રેમનો

લગ્નને વિચ્છેદ છે બંને વમળ
બેય સાથે છે પનારો પ્રેમનો

વ્યોમ શો વિશાળને ભરચક છતાં
ખૂબસૂરત છે પથારો પ્રેમનો

અવદશા છે મૌન ચાડી ખાય છે
માર વેઠ્યો છે એક ધારો પ્રેમનો

પ્રેમ ઝંખે પ્રેમ ચાહે છે 'અભણ'
પ્રેમપૂર્વક કર વધારો પ્રેમનો
અભણ અમદાવાદી