મંગળવાર, 29 ઑક્ટોબર, 2013

રોટલી [બાળકાવ્ય]

રોટલી રે રોટલી
આવ જલ્દી રોટલી
ભૂખ મુજને લાગી છે
રાહ થાળી જુવે છે...રોટલી

શાક છે મુજ થાળીમાં
વાટકીમાં દાળ છે
ભૂખ મારા પેટમાં
રાહ તારી જુવે છે...રોટલી

રીંગણાનું શાક છે
દાળ સાથે ભાત છે
ભૂખ ભડકી છે એવી
રાહ જોવાતી નથી...રોટલી

આખરે આવી ગઈ
રોટલી મુજ થાળીમાં
ભૂખ મારી ઠારશે
જોમ જબ્બર આપશે...રોટલી
અભણ અમદાવાદી
******************
બાળસાપ્તાહિક 'ફૂલવાડી'માં તા.૧૦।૦૨।૨૦૦૮ના છપાયેલ બાળકાવ્ય

શાના વિશે લખું?

બોલ તારી આંખ વિશે લખું?
ફૂલો જેવા ગાલ વિશે લખું?
મીણની પૂતળી જેવી નાજુક
કાયાના કામણ વિશે લખું?
અભણ અમદાવાદી

વાયરા આવશે (ગઝલ)


માર્ગમાં પૂરને વાયરા આવશે
ઊષ્ણ તોફાન બહુ આકરા આવશે

દામ દઈ મેળવી છે સફળતા હવે
કોળિયામાં સદા ખાખરા આવશે

લાલચો આપવા ભૂખ ભડકાવવા
ગાંઠિયા ફાફડા પાતરા આવશે

માનગઢના બધા કાંગરા તૂટશે
તીર તુજ દ્વાર પર આકરા આવશે

માર્ગમાં ચાર રસ્તા વળાંકો તથા
ટેકરા ઢાળને દાદરા આવશે

હંસ થઈ કાગડા બાજ થઈ ભોળપણ
સાધુ થઈ રાવણો બ્હાવરા આવશે

છંદને ગોઠવી લે મગજમાં 'અભણ'
કાવ્યમાં ખૂટતી માતરા આવશે
અભણ અમદાવાદી

હાલો ગરબે રમીએ


એ....
હાલો હાલો હાલો હાલો....(ઢોલક પીસ)
હાલો માતાને ધામ
હાલો અંબાને ગામ
હાલો બહુચરને ધામ
હાલો રાધાને શ્યામ...
હાલો હાલો રે... એ...હાલો હાલો રે

હાલો દાંડીયા લઈ
હાલો કેડીયા મઈ
હાલો કંદોરા લઈ
હાલો હાલો ભઈ બઈ...
હાલો હાલો રે.... એ.... હાલો હાલો રે

હાલો ચાચરને ચોક
હાલો ગબ્બરને ગોખ
હાલો ગરબાને ચોક
હાલો મૂકીએ દોટ......
હાલો હાલો રે... એ... હાલો હાલો રે...

એ... હાલો...હાલો...હાલો...હાલો....

માડીના આંગણે ગરબે ઘૂમીએ
મનડું મુકીને ચરણો ચૂમીએ...
ભક્તિમાં ડૂબીએ આજ રે...
ગરબામાં ડૂબી જઈએ રે....માડીના
(હાલો...)

ચોક છે સાગર ગરબાનો સાગર
ગરબાનો સાગર ભક્તિનો સાગર..
સાગરમાં ડૂબીએ આજ રે...
ગરબામાં ડૂબી જઈએ રે....માડીના
(હાલો...)

ગુર્જર ધરા પર ઝૂમવા આવી
અંબા ગરબે ઘૂમવા આવી
સાથે સૌ ઝૂમીએ આજ રે...
ગરબામાં ડૂબી જઈએ રે....માડીના
(હાલો...)
અભણ અમદાવાદી